Self defense – can change you.

Self defense – can change you.

ઉઠો, જાગો અને સુરક્ષિત બનો. સ્વરક્ષિત બનો

કહે છે કે આવનાર સમય અને આફત જાણ કરીને નથી આવતા. તેના માટે અત્યારે જ તૈયાર રહેવામાં જ શાણપણ છે. વાત તો સાચી. આવનાર આફત કેવી હશે તેની કોઈને ખબર નથી હોતી અને આપણે તેના માટે અજાણ હોઈએ છીએ. એટલે જ કહે છે ‘સમય વર્તે સાવધાન.’

આજના સમયમાં મહિલાઓ માટે પોતાની સુરક્ષા એક અગત્યનો પ્રશ્ન બની ગયો છે. મહિલાઓની સુરક્ષા માટે સરકાર અને સ્વયંસેવી સંસ્થાઓ પણ ખાસ કાર્યક્રમો અમલમાં મૂકી રહી છે. મહિલાઓની સુરક્ષા માટે ૧૦૯૧ પોલીસ હાર્ટ નામની સક્રિય હેલ્પ લાઈન પણ શરૂ કરવામાં આવી છે. આટઆટલા પ્રયત્નો અને પ્રયાસો કરવા છતાં મહિલાઓ પર ક્યાંકને ક્યાંક છેડતી કે અન્ય કોઈ રીતે અત્યાચાર કે શોષણ થતું જોવા મળે છે. એટલે જ મહિલાઓ સ્વયંસુરક્ષિત થાય તે બાબત પર ખાસ ભાર મુકવામાં આવે છે.

સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા પણ સ્વરક્ષણની તાલીમ આપટી શિબિરોનું આયોજન કરવામાં આવે છે. રાજ્યભરના તમામ જિલ્લાઓમાં ઉભી કરવામાં આવેલી સુરક્ષા સેતુ સોસાયટી અને સુરક્ષા સેટો કેન્દ્રો મારફત સ્વરક્ષણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવે છે. શહેર પોલીસ દ્વારા પણ અવારનવાર સ્વરક્ષણની તાલીમ આપવા માટેના સેમીનાર કરવામાં આવે છે. આ પ્રકારની તાલીમ શિબિરો અને સેમિનારમાં વધુમાં વધુ મહિલાઓ જોડાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. મહિલાઓને સ્વરક્ષણની તાલીમ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે અવનવા કાર્યક્રમો પણ કરવામાં આવે છે. સ્વરક્ષણની તાલીમ મહિલાઓને કઈ રીતે ઉપયોગી થઇ શકે અને તાલીમ શિબિરમાં આપવામાં આવેલી તાલીમનો ઉપયોગ તેઓ કઈ રીતે કરી શકે તે માટે પણ તેમને માર્ગદર્શન આપવામાં આવે છે. સ્વરક્ષણની તાલીમ અને સ્વરક્ષણ માટેની ટેકનીક્સ વિષે મહિલાઓને જાણકારી અને માર્ગદર્શન આપી તેમને જાગૃત કરવામાં આવે છે.

જયારે પણ કોઈ મહિલા કોઈ પણ પ્રકારની આફતમાં મુકાય તો તે પોતાને નિઃસહાય માનવાની ભૂલ કરે છે. જેનો ફાયદાઓ તેના પર હુમલો કરનાર ઉઠાવી જાય છે. આથી, સ્વરક્ષણની તાલીમમાં એ બાબત પર ખાસ ભાર મુકવામાં આવે છે કે તેઓ કોઈપણ સંજોગોમાં હોય પણ તે નિઃસહાય નથી હોતી. તેમને જો કોઈ સૌ પહેલા મદદ કરી શકે છે તો તે પોતે જ છે.

સ્વરક્ષણ એટલે શું અને કઈ રીતે કરી શકાય?

સ્વરક્ષણ એટલે પોતાની સુરક્ષા પોતાને હાથે. પોતાની સુરક્ષા માટે કોઈના પર નિર્ભર રહેવા કરતા પોતાની અંદરના આત્મવિશ્વાસને જાગૃત કરી આવેલ સમસ્યા માંથી બહાર આવવું.

સ્વરક્ષણ એટલે આપણી સુરક્ષા આપના હાથે.

સ્વરક્ષણની તાલીમ આ વાત પર ખાસ ભાર મુકે છે. મુસીબતના સમયમાં કોઈ અન્ય વ્યક્તિ પર આધાર રાખવા કરતા પોતે જ પોતાની મદદ કરીએ તો તે આપણા માટે વધુ હિતકારક બની રહે છે.

આપણો આત્મવિશ્વાસ એજ સાચો મિત્ર

સ્વરક્ષણની વાત આવે ત્યારે એક વાત અચૂક કરવી પડે અને તે છે ‘આત્મવિશ્વાસ’ની. આત્મવિશ્વાસ એ સુરક્ષા માટેની પહેલી કડી સમાન છે અને સ્વરક્ષણ એ આત્મવિશ્વાસ સિવાય સંભવી જ નથી શકતું. આત્મ વિશ્વાસ તમારામાં મુસીબત સામે લડવાની હિંમત જાગૃત છે. આત્મવિશ્વાસથી છલકતી વ્યક્તિ ક્યારેય હાર નથી માનતી અને સમસ્યા સામે લડ્યા જ કરે છે. આત્મવિશ્વાસ એ જ ખરેખર સુરક્ષાની પહેલી ચાવી છે.

સાહસ, હિમ્મત અને નિર્ભયતા વધારે તમારી સુરક્ષા

જયારે પણ કોઈ મહિલા કોઈ પણ પ્રકારની મુસીબતમાં મુકાય છે ત્યારે તે સ્વયંને નિઃસહાય માનવા લાગે છે અને હિંમત હારી જાય છે. જેનો ફાયદો ઉઠાવવામાં આવતો હોય છે. આથી જ સ્વરક્ષણ માટે સૌથી જરૂરી છે કે એક મહિલા સાહસી બને તેનામાં હિંમતનો સંચાર થાય અને તે નિર્ભય બને. સ્વરક્ષણ માટે આ ત્રણેય બાબતો ખાસ અગત્યની છે. સાહસ હશે તો કોઈ પણ સંજોગો સામે ઝઝૂમવાનું બળ મળશે. હિંમતથી કોઈ પણ સમસ્યામાંથી બહાર આવવા માટેની તકો સ્વયં ઉભી કરી શકાશે. અને નિર્ભયતા એ પોતાના માટે કંઈપણ કરી છૂટવાનું બળ આપશે. એટલે જ તો કહે છે કે જેની પાસે છે સાહસ, હિંમત અને નિર્ભયતા તે આખું જગત જીતી શકે છે.

તમારા ડરને અન્યની હિંમત ન બનવા દો

ડર એટલે કે ભય એ આફતને આમંત્રણ આપે છે. જે ડરે છે તેને જ ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. આથી પોતાના ડર પર વિજય મેળવો. તમારી સુરક્ષાને તમારા હસ્તક કરો.

તમારે શું બનવું ગમશે? શિકાર કે સિંહ?

જવાબ તમારે જાતે જ વિચારવાનો છે. જીવનમાં શું બનવું વધુ સારું, યોગ્ય અને મહત્વનું છે. કોઈના તક સાધુના હાથે શિકાર બનવું કે પછી સિંહ બની પોતાની સુરક્ષા પોતાને હાથે જ કરવી.

બાહુબળ એ સાહસની વાત છે, શારીરિક શક્તિની નહિ.

મોટાભાગના લોકો જયારે પણ કોઈ આફતનો ભોગ બન્યા પછી એમ જ કહેતા જોવા મળે છે કે તેઓ મારા કરતા વધુ શક્તિશાળી હતા, તેઓ એટલા બધા હતા તો હું શું કરી શકવાનો હતો. વાસ્તવિકતા તો એ છે કે કોઈ જયારે એક વ્યક્તિ આફતનો ભોગ બને છે તો તેમાં સામેવાળી વ્યક્તિની શક્તિ કે ક્ષમતા નહિ પરંતુ જે ભોગ બની છે તેના ખૂટી ગયેલા આત્મવિશ્વાસને લીધે બને છે. આથી જ કહે છે કે સાહસ અને આત્મવિશ્વાસ થકી જ આત્મ સુરક્ષા સંભવ બની શકે છે.

ધીરજ હિમ્મત અને સાહસ એ સ્વરક્ષાની ચાવી છે.

જો તમે ક્યારેય પણ કોઈપણ અણધાર્યા સંજોગોમાં મુકાઈ જાઓ તો એટલું યાદ રાખો કે તમારે જ તમારી મદદ કરવાની છે. આવા સમયે ડર્યા વગર ધીરજ અને હિંમત કેળવો અને તમે પોતાની સુરક્ષા કઈ રીતે કરી શકો તેનો વિચાર કરો. સામેવાળી વ્યક્તિને તમે પરાસ્ત કરી શકો છો તેવો વિશ્વાસ કેળવો. પોતાની સુરક્ષા માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની હિંમત જ તમેન સુરક્ષિત કરી શકે છે. ડર્યા વગર યોગ્ય તકની રાહ જુઓ. સાથે સાથે એ પણ ધ્યાન રાખો કે એવી કઈ બાબતો અત્યારે તમારી સાથે છે જેનો તમે તમારી સુરક્ષા માટે ઉપયોગ કરી શકો છો. તમારી સાહસ હિમ્મત અને ચપળતા તમને સુરક્ષિત કરી શકે છે.

 

સુરક્ષા માટે કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી. આત્મ સુરક્ષા એ જ સાચી સુરક્ષા છે. સ્વરક્ષણની તાલીમ તમારામાં આત્મવિશ્વાસ કેળવે છે. સ્વરક્ષણની તાલીમ લો અને સ્વયં સુરક્ષિત બનો. તમે જ તમારી સુરક્ષા માટે ખડે પગ થઇ શકો છો. ઉઠો જાગો અને સુરક્ષિત બનો. સ્વરક્ષિત બનો

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *